મંગલમય શ્રી ચતુર્વિધ સંઘ ને તત્વ જ્ઞાનનો અભ્યાસ કરવા માટે જૈન વિદ્યાલય અને અભ્યાસ માટે આવેલા જિજ્ઞાસુઓને પ્રભુ ભક્તિ માટે વિશાળ જિનાલય આવી ભાવનાથી નાનકડા પણ ભાવનાશીલ વાંકી ઉપર પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજાની કૃપાદ્રષ્ટિથી અમી વૃષ્ટિ થઈ. ગામની સીમ સજીવન થઈ અને એ ભૂમિ પર ચૈતન્ય મહાપુંજ નો ઉદય થયો, જેનું નામ છે...વાંકી તીર્થ...!
પ્રીતલડી બંધાણી રે...સર્વ જિણંદશું..!
આવી ચૈતન્ય સ્થિતિના ધારક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ના ઉપદેશથી આ તીર્થ નું નિર્માણ થયું છે. એટલે આ તીર્થની રજેરજમાં પૂજ્યશ્રીના હધ્યોદ્ગારો વાસિત થયેલા છે.
ત્રણ એકર જેટલી વિશાળ જમીનના દાતા, વાંકી ગામના જ પનોતા પુત્ર શ્રીયુત શ્રી લક્ષ્મીચંદ ભાણજી છેડા, સહકાર્યકર શ્રી પ્રેમજી રવજી ગાલા સાથે અન્ય આગેવાન શ્રાવકો પૂજ્યશ્રીના આશીર્વાદથી કૃતનિશ્ચયી બન્યા. સંવત 2032 મહાવદ 6 તારીખ 20-2-1976 ના શુભ દિવસે ખનનવિધિ થઈ. સંવત 2032 ફાગણ સુદ 7 તારીખ 8-3-1976 ના પ્રશસ્ત દિવસે શિલાન્યાસ થયો. સંવત 2045 વૈશાખ વદ 6 તારીખ 26-5-1989 ના પવિત્ર દિવસે પ્રતિષ્ઠા વિધિ થઈ. પૂજ્ય આચાર્ય ભગવંત સહિત સેકંડો સાધુ-સાધ્વીજી ભગવંતો અને હજારો શ્રાવકોના શુભ ભાવોપૂર્વક જિનાલય અને પરમાત્મા ની પ્રતિષ્ઠા થઈ.
જિનાલયની ભમતીમાં સાત ફૂટની ઊંચાઈ 7 થી 13 ફૂટની લંબાઈ તથા 27 થી 30 ઇંચની ઊંડાઈ વાળા શ્રી મહાવીર સ્વામી ભગવાનના જીવન ચરિત્ર તથા અદ્વિતીય સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના જીવન સ્પર્શી, પાંચે ઉત્તમ તીર્થોને આવરી લેતા ૪૨ પટો ભારતભરમાં સૌપ્રથમ આ તીર્થમાં બન્યા છે. જે આ તીર્થ નું અનન્ય આકર્ષણ છે.
જિનાલયનાં ચારે ખૂણે કોતરણીમય સ્તંભ, કલાત્મક ઝરૂખો, કઠેડો, પ્રવેશદ્વારના પગથિયે ફુલ માળા લઈને ઉભેલા ગજરાજ, વનરાજ આ તીર્થમાં આવેલા ને આવકારી રહ્યા છે.
જિનાલયના પ્રાંગણમાં પાંગરેલા ફૂલ છોડ અને પ્રાકૃતિક હરિયાળી આ જિનાલયની જીવંતતાની અનુભૂતિ કરાવે છે.
૭૧ ફૂટની ઊંચાઈ ધરાવતા મુખ્ય શિખર સહિત ચાર ઉતુંગ કોતરણીમય શિખરો થી શોભતા, વિશાળ મંડપોથી દિપતા આ જિનાલય ને જોતા જ દેલવાડાના દેહરા જેવા પ્રાચીન જિનાલયોની સ્મૃતિમાં સરી પડાય છે.
વર્તમાન તીર્થધિપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાન મૂળનાયક તથા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે. શ્રી ગૌતમ સ્વામીજી તથા પૂજ્ય શ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજનું ગુરુ મંદિર પણ મનમોહક છે.
કચ્છના સેકડો વર્ષ પ્રાચીન જિનાલયો નાની-મોટી પંચતિથી કહેવાય છે.
ટ્રેન દ્વારા ગાંધીધામ આવી, ભદ્રેશ્વર તીર્થ થઈ, વાંકી તીર્થ જુહારીને, ભુજપુર-દેશલપુર- મોટી ખાખર-નાની ખાખર-બિદડા-72 જિનાલય થઈને, સાંધાણસુથરી-કોઠારા-જખૌ-નલિયા-તેરા તીર્થના દર્શન કરી, ભુજ જઈ શકાય છે.
એસી નોન એસી 64 રૂમો વાળા સુઘડ-સ્વચ્છ ચાર અતિથિ ગૃહો.
સ્પેશિયલ સ્નાનગૃહો તેમજ ગરમ પાણી માટે સોલાર સિસ્ટમ પણ.
ત્રણે ટાઇમ જયણાપૂર્વકનું ઉત્તમ-સ્વાદિષ્ટ-ઘર જેવું ભોજન પ્રાપ્ત થાય એવી સુંદર ભોજનશાળા.
પોતાનું રસોડું લાવનાર સંઘો માટે વિશાળ સિદ્ધાર્થ મંડપ.
નિરાંત અને નવરાશ ને તાજગી અને પ્રસન્નતા ભરી બનાવવા માટે તીર્થ પરિસરના સોહામણા વાતાવરણમાં બેસવાની મઢૂલી છે.
પ્રભુ ભક્તિ સાથે જ્ઞાન ભક્તિ માટે ૬૦૦૦ પુસ્તકો તથા ૩૦૦ હસ્ત લેખિત પ્રતો ના દર્શન.
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુથી મંડિત, 132 વર્ષ પ્રાચીન વાંકી ગામના જિનાલયની સ્પર્શના આપની યાત્રાને અચૂક સફળ બનાવશે.
વાગડ સમુદાયના સૂત્રધાર પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મહારાજ.
વર્તમાન ગચ્છ નાયક પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી કલ્પતરુસૂરીશ્વરજી મહારાજનું માર્ગદર્શન તેમજ તીર્થમાં પ્રભુ પ્રતિષ્ઠા પહેલા અને પછી થયેલા સળંગ 500 આયંબિલ તપ પારણું, વર્ધમાનતપની 100મી ઓળીનું પારણું, વર્ષીતપનું પારણું, નવ પદની ઓળી, સામૂહિક અઠ્ઠમ તમ, નમસ્કાર મહામંત્રની આરાધના, શિબિર, ઉપદાન, છ'રિ પાલિત સંઘ, પન્યાસ અને આચાર્ય પદવી, આ સર્વને ચાર ચાંદ લગાવે એવું પૂજ્ય શ્રી સહિત 110 ઠાણા નું દિવ્ય ચાતુર્માસ તીર્થના શિખર ઉપર સોનાના કળશ સમાન છે.
આધ્યાત્મિક ઔરા અને માનસિક શાંતિ મેળવવા માટે, પ્રદૂષણ રહિત આ શ્રી વાંકી તીર્થમાં જરૂર જરૂર પધારશો.
એકવાર આવશો...યાદ રહી જશે...!
વારંવાર આવવાનું મન થાય જશે...!